ADVERTISEMENT

ADVERTISEMENT

અમેરિકી સેનેટમાં વિદેશી પ્રભાવ અને ગુપ્ત લોબિંગ સામેનું બિલ આગળ વધ્યું

સેનેટર જૉન કોર્નિને કહ્યું કે આ કાયદો અમેરિકી નીતિ-નિર્માણને વિદેશી હસ્તક્ષેપથી સુરક્ષિત રાખવા માટે લાવવામાં આવ્યો છે.

 US કેપિટોલ બિલ્ડીંગ(ફાઈલ ફોટો) US કેપિટોલ બિલ્ડીંગ(ફાઈલ ફોટો) / REUTERS/Kylie Cooper/File Photo

અમેરિકાની સેનેટની વિદેશ સંબંધ સમિતિએ વિદેશી લોબિંગ અને પ્રભાવ અભિયાન અંગે પારદર્શિતા વધારવા માટેના દ્વિપક્ષીય બિલને મંજૂરી આપી છે. કાયદાકારોએ દલીલ કરી હતી કે ચીન, રશિયા અને ઈરાન જેવા વિરોધી દેશોએ હાલના કાયદાની ખામીઓનો લાભ લઈને અમેરિકી નીતિઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે.

Preventing Adversary Influence, Disinformation and Obscured Foreign Financing (PAID OFF) Act નામનું આ બિલ Foreign Agents Registration Act (FARA) સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરશે અને નિર્ધારિત વિદેશી સરકારો તથા તેમની સાથે જોડાયેલી વ્યાવસાયિક સંસ્થાઓ માટે કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓને વધુ માહિતી જાહેર કરવાની ફરજ પાડશે.

સેનેટ વિદેશ સંબંધ સમિતિના અધ્યક્ષ જિમ રિશ એ જણાવ્યું કે વર્ષોથી અમેરિકાના મુખ્ય વિરોધી દેશોએ લોબિંગ કાયદાની ખામીઓનો ઉપયોગ કરીને વરિષ્ઠ સરકારી અધિકારીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે કહ્યું, "રશિયાએ તેના Nord Stream 2 પાઇપલાઇન પર પ્રતિબંધો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ચીનની સર્વેલન્સ કંપની Hikvisionએ પ્રતિબંધોથી બચવા માટે પ્રભાવ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોગવાઈ મહત્વપૂર્ણ કાનૂની ખામીઓ દૂર કરીને અમેરિકામાં વિદેશી લોબિંગ પ્રવૃત્તિઓમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે."

બિલના મુખ્ય પ્રસ્તાવકોમાંના એક સેનેટર જૉન કોર્નિને જણાવ્યું કે આ પગલું અમેરિકી નીતિ-નિર્માણને વિદેશી વિરોધી દેશોના પ્રભાવથી બચાવવા માટે જરૂરી છે.

તેમણે કહ્યું, "અમેરિકાની નીતિઓ પર એવા દેશોનો પ્રભાવ ન હોવો જોઈએ જે પોતાના હિત માટે તંત્રને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. આ કાયદો ચીન અને રશિયા જેવા દેશોના ગુપ્ત પ્રભાવને બહાર લાવી અમેરિકી નિર્ણય પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવશે."

આ બિલને સમિતિમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષના સભ્યોનું સમર્થન મળ્યું.

સેનેટર શેલ્ડન વ્હાઇટહાઉસએ કહ્યું, "જ્યારે વિદેશી વિરોધી તાકાતો કાનૂની છૂટછાટનો લાભ લઈને કોંગ્રેસ પર પ્રભાવ પાડે છે, ત્યારે તે સીધી રીતે અમારી લોકશાહી માટે ખતરો બને છે."

સેનેટર થોમ ટિલિસએ જણાવ્યું કે, "ચીન અને રશિયા જેવા વિરોધી દેશોને અમેરિકી નીતિ કે જનમતને ગુપ્ત રીતે પ્રભાવિત કરવાની મંજૂરી ક્યારેય ન હોવી જોઈએ."

સેનેટર ચક ગ્રાસ્લીએ કહ્યું કે અમેરિકન નાગરિકોને જાણવાનો અધિકાર છે કે કોઈ વિદેશી સરકાર અમેરિકી નીતિઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી કે નહીં.

સેનેટર પીટર વેલ્ચ એ જણાવ્યું કે ખોટી માહિતી અને ભ્રામક પ્રચારના કારણે લોકોનો સંસ્થાઓ પરનો વિશ્વાસ ઘટ્યો છે, અને વિદેશી વિરોધી દેશોએ હાલના કાયદાની ખામીઓનો લાભ લઈને આ સમસ્યાને વધુ ગંભીર બનાવી છે.

સેનેટર જૉન કેનેડીએ કહ્યું, "ચીન અને ઈરાન જેવા દેશો માટે કામ કરતા વિદેશી એજન્ટો અમેરિકી નીતિઓને પોતાના પક્ષે વાળવાનો પ્રયાસ કરતી વખતે પડદા પાછળ છુપાઈ ન શકે."

બિલના સમર્થકોના જણાવ્યા અનુસાર, FARAમાં 1990ના દાયકાથી કોઈ મોટો સુધારો થયો નથી અને તે આધુનિક પ્રભાવ અભિયાનોને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું છે. હાલની કેટલીક છૂટછાટોના કારણે વિદેશી હિત સાથે જોડાયેલા કેટલાક એજન્ટો નોંધણી કરાવવાથી બચી જાય છે.

પ્રસ્તાવિત કાયદા હેઠળ ચીન, રશિયા, ઈરાન, ઉત્તર કોરિયા અથવા ક્યુબાની સરકારો તથા તેમની સાથે જોડાયેલી વ્યાવસાયિક સંસ્થાઓ માટે કામ કરતા એજન્ટોને FARA હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત બનશે. સમર્થકોનું માનવું છે કે તે અમેરિકામાં ચાલી રહેલા વિદેશી પ્રભાવ અભિયાનો અંગે વધુ પારદર્શિતા લાવશે.

આ કાયદો અમલમાં આવ્યા બાદ પાંચ વર્ષ સુધી લાગુ રહેશે અને ત્યારબાદ તેનું નવીનીકરણ કરવું પડશે.

બિલમાં અમેરિકાના વિદેશ સચિવને "ચિંતાજનક દેશો"ની યાદીમાં દેશો ઉમેરવા અથવા દૂર કરવાની ભલામણ કરવાની સત્તા પણ આપવામાં આવી છે, જેને કોંગ્રેસની સંયુક્ત મંજૂરી જરૂરી રહેશે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?