ADVERTISEMENT

ADVERTISEMENT

શિકાગોની આર્ટ સ્કૂલે ભારતીય મૂળની પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા

ફિલિસ્તીન સંબંધિત અસાઇનમેન્ટ બાદ યહૂદી વિરોધી વાતાવરણના આક્ષેપો વચ્ચે સવનીત તલવારને પેઈડ લીવ પર મુકાયા

 સવનીત તલવાર સવનીત તલવાર / The School of the Art Institute of Chicago

ભારતીય મૂળની પ્રોફેસર સવનીત તલવારને લઈને અમેરિકાની શિકાગોની સ્કૂલ ઓફ ધ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ (SAIC)માં વિવાદ ઉભો થયો છે. એક ઇઝરાયેલી વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો કે વર્ગમાં આપવામાં આવેલી એક અસાઇનમેન્ટના કારણે કોલેજમાં ઇઝરાયેલ વિરોધી અને યહૂદી વિરોધી વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ સંસ્થાએ તલવારને સસ્પેન્ડ કરીને તેમની સામે સત્તાવાર તપાસ શરૂ કરી છે.

SAICની આર્ટ થેરાપી અને કાઉન્સેલિંગ પ્રોગ્રામમાં ટેન્યોર્ડ લેક્ટરર તરીકે કાર્યરત તલવારને એપ્રિલ મહિનામાં આપવામાં આવેલી અસાઇનમેન્ટને લઈને ફરિયાદ બાદ પેઈડ લીવ પર મુકવામાં આવ્યા હતા. આ અસાઇનમેન્ટ માનસિક સારવારના સાંસ્કૃતિક પાસાઓ અંગેના અભ્યાસક્રમનો ભાગ હતી.

અસાઇનમેન્ટમાં વિદ્યાર્થીઓને અમેરિકામાં રહેતી એક ક્વિયર મુસ્લિમ મહિલાના કલ્પિત કેસ માટે નૈતિક સારવાર યોજના તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું. તેમાં મહિલાના પરિવાર, સંબંધો અને ઇમિગ્રન્ટ જીવનનો ઉલ્લેખ હતો. સાથે જ લખાયું હતું કે ફિલિસ્તીન સમર્થક પ્રદર્શનો તેને વ્યક્તિગત રીતે સ્પર્શતા હતા અને ફિલિસ્તીની નાગરિકો પર થયેલી હિંસાથી તે વ્યથિત હતી. તેમજ પોતાના દેશની સરકારની મર્યાદિત પ્રતિક્રિયાની તે ટીકા કરતી હતી.

સ્કૂલના જણાવ્યા અનુસાર, ફરિયાદ કરનાર એ જ ઇઝરાયેલી વિદ્યાર્થીએ અગાઉ પણ વિભાગમાં યહૂદી વિદ્યાર્થીઓ માટે વિરોધી વાતાવરણ હોવાના આક્ષેપો કર્યા હતા. અગાઉની ફરિયાદોને લઈને આંતરિક તપાસ અને ફેકલ્ટી માટે સાંસ્કૃતિક પૂર્વગ્રહ નિવારણ વર્કશોપ પણ યોજાયા હતા.

તલવારે જણાવ્યું કે અસાઇનમેન્ટ આપ્યા બાદ તેમને ડીનનો ફોન આવ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે ફિલિસ્તીનનો ઉલ્લેખ કરતી સામગ્રી આપી છે. ત્યારબાદ તેમને યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ સાથે તાત્કાલિક બેઠક માટે બોલાવવામાં આવ્યા અને નક્કી કરાયેલ ક્લાસ પણ રદ કરવામાં આવ્યો. થોડા સમય પછી તેમને પેઈડ લીવ પર મુકવાનો નોટિસ આપવામાં આવ્યો.

તલવારને આ મામલે વિદ્યાર્થીઓ અથવા સહકર્મચારીઓ સાથે ચર્ચા ન કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ અસાઇનમેન્ટને ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. સંસ્થાએ એક સત્તાવાર પત્રમાં ચેતવણી આપી હતી કે આ અસાઇનમેન્ટનું વિતરણ "ભેદભાવ, હેરાનગતિ અથવા પ્રતિશોધ" તરીકે ગણાઈ શકે છે.

પત્રમાં એ પણ જણાવાયું હતું કે ફરિયાદ કરનાર વિદ્યાર્થીએ યહૂદી ઇઝરાયેલી હોવાના આધાર પર અન્ય કેસોમાં પણ ઇઝરાયેલ વિરોધી, યહૂદી વિરોધી અથવા પ્રો-પેલેસ્ટાઇન દૃષ્ટિકોણ અંગે ફરિયાદો કરી હતી. સંચાલકોએ લખ્યું કે તલવારને આ અગાઉની તપાસોની જાણ હોવા છતાં તેમણે "ફિલિસ્તીની મુદ્દાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી મુસ્લિમ મહિલાને કેન્દ્રમાં રાખીને અસાઇનમેન્ટ આપી."

અલગથી મોકલાયેલા સંદેશામાં ડીને તલવારના નિર્ણય પર સવાલ ઉઠાવતા લખ્યું હતું કે વિભાગમાં વિરોધી વાતાવરણ અંગે અગાઉથી અનેક ફરિયાદો આવી ચૂકી હોવાથી મામલો ગંભીર બની ગયો છે.

આ કેસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે વિભાગ પહેલેથી જ તપાસ હેઠળ છે. વર્ષ 2023ના અંતમાં અન્ય એક ઇઝરાયેલી વિદ્યાર્થીએ સંસ્થા સામે પ્રણાલીકૃત યહૂદી વિરોધનો આરોપ લગાવી કેસ દાખલ કર્યો હતો, જોકે ફેડરલ જજે તે કેસ બે વખત ફગાવી દીધો હતો.

તલવારના સસ્પેન્શન બાદ લગભગ એક મહિના પછી સંસ્થાએ વધુ કેટલાક આરોપો પણ રજૂ કર્યા હતા. તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ હુમલાને તલવારે "ગન વાયોલન્સ" ગણાવ્યો હતો, પરંતુ તેના યહૂદી વિરોધી પાસાનો ઉલ્લેખ કર્યો નહોતો. ઉપરાંત તેમણે વિદ્યાર્થીને ખુલ્લેઆમ એન્ટી-ઝાયોનિસ્ટ એક્ટિવિસ્ટના વ્યાખ્યાનમાં હાજરી આપવી જોઈએ કે નહીં તે વિચારવા કહ્યું હોવાનો પણ આરોપ છે.

તલવારના વકીલે સંસ્થા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને રોજગાર ભેદભાવનો કેસ દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.

વકીલે સંચાલકોને લખ્યું, "શું હવે SAICના શિક્ષકોને તેમના અભ્યાસક્રમમાંથી ફિલિસ્તીનીઓને સંપૂર્ણપણે દૂર રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે?"

તલવારે ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં કહ્યું કે તેમના વિરુદ્ધ લેવાયેલ કાર્યવાહીનું મુખ્ય કારણ અસાઇનમેન્ટમાં ફિલિસ્તીનનો ઉલ્લેખ હતો.

તેમણે કહ્યું, "હવે અમે તેને 'પી-વર્ડ' કહીએ છીએ. આ શબ્દ માટે પણ કોઈ સહનશીલતા રહી નથી."

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?