ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન તાકાઈચી / X@narendramodi
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સનાએ તકાઈચીએ ગુરુવારે પૂર્વ અને દક્ષિણ ચીન સાગરની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ જણાવ્યું કે તેઓ એવા કોઈપણ એકતરફી પગલાનો કડક વિરોધ કરે છે, જે સમુદ્ર અને હવાઈ માર્ગોની સુરક્ષા તથા અવરજવરાની સ્વતંત્રતા માટે જોખમ ઉભું કરે અથવા બળ કે દબાણ દ્વારા હાલની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરે.
નિવેદનમાં જણાવાયું છે કે બંને નેતાઓએ વિવાદિત વિસ્તારોમાં વધતા સૈન્યીકરણ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમુદ્રી વિવાદોનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ લાવવામાં આવવો જોઈએ, જેમ કે સંયુક્ત રાષ્ટ્રના સમુદ્ર કાયદા સંમેલન (UNCLOS)માં નિર્ધારિત કરવામાં આવ્યું છે.
બંને નેતાઓએ ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોને લઈને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો મુજબ ઉત્તર કોરિયાને સંપૂર્ણપણે પરમાણુમુક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃદોહરાવી. સાથે જ ઉત્તર કોરિયા સુધી અને ત્યાંથી પરમાણુ તથા મિસાઇલ ટેક્નોલોજીના ફેલાવા અંગે સતત રહેલી ચિંતાઓનો યોગ્ય ઉકેલ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
તેમણે સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને અપીલ કરી કે તેઓ સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ લાગુ કરાયેલા પ્રતિબંધોનું સંપૂર્ણ પાલન કરે. તેમાં ઉત્તર કોરિયાને હથિયારો અને તે સંબંધિત સામગ્રી મોકલવા અથવા ત્યાંથી ખરીદવા પર લાગેલા પ્રતિબંધોનો પણ સમાવેશ થાય છે. બંને નેતાઓએ અપહરણ સંબંધિત મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી.
બંને વડાપ્રધાનોએ મ્યાનમારની સ્થિતિ અને તેની પ્રાદેશિક અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તમામ પક્ષોને તાત્કાલિક હિંસા બંધ કરવાની અને તમામ હિતધારકો વચ્ચે સંવાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની અપીલ કરી, જેથી મ્યાનમારના નેતૃત્વ અને ભાગીદારી હેઠળ શાંતિપૂર્ણ અને લાંબા ગાળાનો ટકાઉ ઉકેલ મળી શકે.
બંને નેતાઓએ મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પણ પુનઃવ્યક્ત કરી. ઈરાન સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે હોર્મુઝ જળમાર્ગમાંથી જહાજોની સુરક્ષિત અને અવરોધરહિત અવરજવર સુનિશ્ચિત કરવી, ઊર્જા અને અન્ય આવશ્યક વસ્તુઓની પુરવઠા શૃંખલા સ્થિર રાખવી તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને UNCLOSનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
બંને નેતાઓએ ગાઝાના પુનર્નિર્માણ માટેની વ્યાપક યોજનાને આગળ વધારવા અને દ્વિ-રાષ્ટ્ર ઉકેલ (ટૂ-સ્ટેટ સોલ્યુશન)ના વચનને સાકાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે પ્રદેશમાં વહેલી તકે સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને લાંબા ગાળાની શાંતિ સુનિશ્ચિત કરવા સતત રાજદ્વારી પ્રયાસો જરૂરી છે.
વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન તકાઈચીએ યુક્રેનમાં પણ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અનુસાર ન્યાયસંગત અને સ્થાયી શાંતિનું સમર્થન કર્યું. તેમણે આ દિશામાં વિવિધ દેશો દ્વારા કરવામાં આવી રહેલા રાજદ્વારી પ્રયાસોનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે તે પ્રદેશમાં ન્યાયપૂર્ણ અને લાંબા ગાળાની શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login