ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતીય ભૌતિકશાસ્ત્રી દીપક ધારને 2026નો પ્રતિષ્ઠિત ડિરાક મેડલ

દીપક ધારે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી PhD મેળવી હતી.

 દિપક ધર દિપક ધર / ICTP

ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી દીપક ધારને સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સના ક્ષેત્રમાં તેમના અગ્રણી યોગદાન બદલ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ (ICTP) દ્વારા પ્રતિષ્ઠિત 2026 ડિરાક મેડલ એનાયત કરવામાં આવ્યો છે. જટિલ પ્રણાલીઓ (Complex Systems), સેલ્ફ-ઓર્ગેનાઇઝ્ડ ક્રિટિકલિટી અને સ્ટોકેસ્ટિક પ્રોસેસિસ અંગેના તેમના મહત્વપૂર્ણ સંશોધન માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.

દીપક ધાર ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA)ના ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ સાયન્સિસ સાથે સંકળાયેલા છે. તેઓ આ વર્ષે આ સન્માન મેળવનારા વિશ્વના અન્ય ત્રણ જાણીતા વૈજ્ઞાનિકો સાથે ડિરાક મેડલ શેર કરી રહ્યા છે. તેમાં ફ્રાન્સની કોલેજ દ ફ્રાન્સના માનદ પ્રોફેસર બર્નાર્ડ ડેરિડા, ઇટાલીની બોકોની યુનિવર્સિટીના થિયોરેટિકલ ફિઝિક્સના પ્રોફેસર માર્ક મેઝાર્ડ અને ઇઝરાયેલની હિબ્રુ યુનિવર્સિટીના ન્યુરોસાયન્સ તથા ફિઝિક્સના પ્રોફેસર અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર હાઇમ સોમ્પોલિન્સ્કીનો સમાવેશ થાય છે.

સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક ગણાતા આ મેડલથી ચારેય ભૌતિકશાસ્ત્રીઓને ઇક્વિલિબ્રિયમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં તેમના અગ્રણી યોગદાન અને તેના ખ્યાલો તથા પદ્ધતિઓને નોન-ઇક્વિલિબ્રિયમ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ, ઑપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ્સ, થિયોરેટિકલ ન્યુરોસાયન્સ અને અંતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો સુધી વિસ્તૃત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.

દીપક ધાર અને અન્ય ત્રણેય વૈજ્ઞાનિકોએ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેનો ઉપયોગ અનેક ઘટકોથી બનેલી પ્રણાલીઓના સામૂહિક વર્તનને સમજવા માટે કરવામાં આવે છે. તેમણે આ પદ્ધતિનો ઉપયોગ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોનો અભ્યાસ કરવા માટે કર્યો છે, જેના પરિણામો જૈવિક પ્રણાલીઓથી લઈને નાણાકીય બજારો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના વાસ્તવિક જીવનના ક્ષેત્રોમાં ઉપયોગી થઈ શકે છે, તેમ ICTPએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ICTPના ડિરેક્ટર અને પ્રાઇઝ કમિટીના અધ્યક્ષ અતીશ દાભોલકરે કહ્યું કે, “2026ના ડિરાક મેડલ વિજેતાઓના સંશોધને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર અને ખાસ કરીને સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સને એવા વ્યાપક પ્રશ્નોના ઉકેલ માટે એક શક્તિશાળી માળખા તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી છે, જે તેના પરંપરાગત ક્ષેત્રથી આગળ વધીને બાયોલોજી, કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી વિસ્તરે છે.”

તેમણે વધુમાં કહ્યું, “આ વર્ષે મેડલ એવા સંશોધન ક્ષેત્રને મળ્યું છે, જેનો ICTPમાં લાંબો ઇતિહાસ રહ્યો છે અને જેમાં ICTPના પૂર્વ ડિરેક્ટર મિગેલ વિરાસોરોના કાર્યનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. હું ચારેય વિજેતાઓને હાર્દિક અભિનંદન આપું છું.”

2026ના ડિરાક મેડલ વિજેતાઓએ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની મદદથી જટિલ પ્રણાલીઓના વિવિધ પાસાઓને સમજવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેના વ્યાપક ઉપયોગો સામે આવ્યા છે.

દીપક ધારે દર્શાવ્યું કે કેવી રીતે સરળ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ મોટા પાયે કાર્ય કરતી પ્રણાલીઓમાં જટિલ અને ક્યારેક અનિશ્ચિત વર્તન પેદા કરી શકે છે. તેમના સૅન્ડપાઇલ મોડલ અંગેના અગ્રણી સંશોધન દ્વારા તેમણે એક સામાન્ય ઘટના સમજાવી હતી. જેમ કે, રેતીના ઢગલા પર એક પછી એક દાણા ઉમેરવામાં આવે ત્યારે મોટાભાગે કોઈ ફેરફાર થતો નથી અથવા નાનો ઢગલો તૂટી પડે છે, પરંતુ ક્યારેક એક જ દાણો મોટો ઢગલો ધરાશાયી કરી શકે છે.

આ સિદ્ધાંત દર્શાવે છે કે સૅન્ડપાઇલ જેવી અન્ય ઘણી જટિલ પ્રણાલીઓ પણ સ્વાભાવિક રીતે એવી સ્થિતિમાં પહોંચી જાય છે, જ્યાં નાની અસર ક્યારેક મોટી અને અચાનક ઘટનાનું કારણ બની શકે છે. આ મોડલનો ઉપયોગ ભૂકંપ, ટ્રાફિક જામ અને નાણાકીય બજારોમાં થતી વધઘટ જેવી એકબીજાથી અલગ લાગતી ઘટનાઓને સમજવા માટે પણ કરવામાં આવ્યો છે.

દીપક ધારે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી Ph.D. મેળવી હતી. તેમણે ઘણા દાયકાઓ સુધી મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર ફંડામેન્ટલ રિસર્ચમાં કામ કર્યું અને ત્યારબાદ 2016માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સાથે જોડાયા.

2024થી તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ સાયન્સિસમાં INSA ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમનું સંશોધન સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ અને સ્ટોકેસ્ટિક પ્રોસેસિસ પર કેન્દ્રિત છે.

દીપક ધારને 2023માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને 2022માં જોન હોપફિલ્ડ સાથે સંયુક્ત રીતે બોલ્ટ્ઝમેન મેડલ અને 1991માં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પણ મળ્યો હતો.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?