ADVERTISEMENT

ADVERTISEMENT

આફ્રિકામાં જગદીશ ત્રિવેદીની સેવાયાત્રા: ચાર કાર્યક્રમોથી આરોગ્ય અને શિક્ષણ માટે રૂ. 2.60 કરોડનું ભંડોળ એકત્ર

કેન્યામાં યોજાયેલા ચાર ચેરિટી કાર્યક્રમોની સંપૂર્ણ આવક જરૂરિયાતમંદ આફ્રિકન લોકોના કલ્યાણ માટે અર્પણ; એકપણ રૂપિયા લીધા વગર ભારત પરત ફરનારા પ્રથમ ભારતીય કલાકાર બન્યા

 ચાર ચેરિટી કાર્યક્રમોની સંપૂર્ણ આવક જરૂરિયાતમંદ આફ્રિકન લોકોના કલ્યાણ માટે અર્પણ ચાર ચેરિટી કાર્યક્રમોની સંપૂર્ણ આવક જરૂરિયાતમંદ આફ્રિકન લોકોના કલ્યાણ માટે અર્પણ / Image Provided

કેન્યાના જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના આમંત્રણથી જાણીતા હાસ્યકલાકાર અને સેવાભાવી વ્યક્તિત્વ જગદીશ ત્રિવેદીએ આફ્રિકા પ્રવાસ દરમિયાન કુલ ચાર ચેરિટી કાર્યક્રમો યોજીને સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નૈરોબી અને મોમ્બાસામાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા આશરે રૂ. 2.60 કરોડ જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી, જેની સંપૂર્ણ રકમ કેન્યામાં રહેતા જરૂરિયાતમંદ આફ્રિકન લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે અર્પણ કરવામાં આવી છે.

નૈરોબીમાં યોજાયેલા ત્રણ કાર્યક્રમોમાં અનુક્રમે એક કરોડ દસ લાખ શિલિંગ, બે કરોડ પાંચ લાખ શિલિંગ અને સાડા તેર લાખ શિલિંગનું ભંડોળ એકત્ર થયું હતું. જ્યારે મોમ્બાસામાં યોજાયેલા કાર્યક્રમમાંથી સાડા સત્તર લાખ શિલિંગની આવક થઈ હતી. આમ કુલ ત્રણ કરોડ છેતાળીસ લાખ કેન્યન શિલિંગ, એટલે કે ભારતીય ચલણ પ્રમાણે અંદાજે રૂ. 2.60 કરોડ જેટલી રકમ સમાજસેવાના કાર્યો માટે સમર્પિત કરવામાં આવી હતી.

એકત્ર થયેલી આ રકમનો ઉપયોગ આફ્રિકન બાળકોના શિક્ષણ અને આરોગ્ય સુધારવા માટે કરવામાં આવશે. તેમાં છ શાળાઓના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો, નોટબુક, કંપાસ બોક્સ અને અન્ય શૈક્ષણિક સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત 288 શાળાઓમાં રમતગમતના સાધનો પહોંચાડવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત વૃદ્ધાશ્રમોમાં દવાઓ, ખુરશીઓ, ચાલવા માટેના સહાયક સાધનો, બ્લેન્કેટ, બેડિંગ અને કપડાંનું વિતરણ કરવામાં આવશે. ગામડાઓમાં રહેતી આફ્રિકન દીકરીઓ માટે સેનેટરી પેડ્સની વ્યવસ્થા પણ આ સહાય યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે.

કેન્યાના જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના આમંત્રણથી યોજાયેલ કાર્યક્રમ / Image Provided

જગદીશ ત્રિવેદી છેલ્લા નવ વર્ષથી પોતાના દેશ અને વિદેશમાં યોજાતા તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણના સેવાકાર્યો માટે દાન કરતા આવ્યા છે. કેન્યાથી આમંત્રણ મળતાં તેમણે આયોજકો સમક્ષ સ્પષ્ટ શરત મૂકી હતી કે તેમના કાર્યક્રમોમાંથી મળતી સમગ્ર આવક આફ્રિકાની મૂળ પ્રજાના કલ્યાણ માટે જ વપરાશે. આયોજક સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના ચેરપર્સન શ્રીમતી ચેતનાબહેન દેસાઈ અને તેમની ટીમે આ શરતનો સહર્ષ સ્વીકાર કર્યો હતો, જેના પરિણામે આ સેવાયાત્રા સફળ બની હતી.

વિશેષ નોંધનીય બાબત એ છે કે ભારતમાંથી કોઈ કલાકાર આફ્રિકા જઈ પોતાની કલા દ્વારા ભંડોળ એકત્ર કરે, સમગ્ર આવક સ્થાનિક લોકોના ઉત્થાન માટે દાન કરે અને તેના બદલામાં એકપણ રૂપિયા સ્વીકાર્યા વગર ભારત પરત ફરે, તેવા જગદીશ ત્રિવેદી પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે.

પોતાની કળાને માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રાખી સમાજસેવાનું સશક્ત માધ્યમ બનાવનાર જગદીશ ત્રિવેદીએ "વસુધૈવ કુટુંબકમ્"ના ભારતીય સંસ્કૃતિના મૂલ્યને વૈશ્વિક સ્તરે જીવંત બનાવ્યું છે. તેમની આ પહેલ માત્ર સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ જ નથી, પરંતુ કળા દ્વારા માનવસેવાનું એક પ્રેરણાદાયી મોડેલ પણ બની છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?