પ્રતીકાત્મક તસ્વીર / IANS
માયામીમાં આવેલા એક વેલનેસ રિટ્રીટમાં સાયકેડેલિક સારવાર દરમિયાન ભારતીય મૂળની એક મહિલાના મોતના એક વર્ષથી વધુ સમય બાદ ત્યાંના એક ડૉક્ટર સામે માનવવધ (Manslaughter)નો ગુનો નોંધવામાં આવ્યો છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, 44 વર્ષીય સેમ્યુઅલ લી સામે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ થયેલા ટીના સોધીના મોત અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટીના સોધીએ માયામી બીચ સ્થિત સાબિયા વેલનેસ હાઉસમાં યોજાયેલા ત્રણ દિવસના "હાર્ટ પ્રોટોકોલ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ વૈકલ્પિક હીલિંગ કાર્યક્રમમાં કેટામાઇન, MDMA અને DMT જેવા નિયંત્રિત પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક અહેવાલો મુજબ, ટીના સોધીએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 2,000 ડોલર ચૂકવ્યા હતા અને સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાતા પદાર્થોના સંભવિત જોખમોને સ્વીકારતા વેવર પર સહી પણ કરી હતી.
કાર્યક્રમ પહેલાં આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર તેમણે શરીરની શુદ્ધિ (ક્લેન્સિંગ) માટેની પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી.
માયામી બીચ પોલીસ અને ફાયર રેસ્ક્યુની ટીમને વેલનેસ સેન્ટરના રૂફટોપ સાઉનામાં ટીના સોધી બેભાન હાલતમાં મળી આવી હતી. પ્રથમ બચાવ ટીમ પહોંચી ત્યારે સેમ્યુઅલ લી તેમને CPR આપી રહ્યા હતા, પરંતુ સ્થળ પર જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
માયામી-ડેડ મેડિકલ એક્ઝામિનરના અહેવાલ મુજબ, કેટામાઇન, MDMA, DMTના સંયુક્ત પ્રભાવ, સાઉનામાં લાંબા સમય સુધી ગરમીમાં રહેવું અને સારવાર પહેલાં કરાયેલી ક્લેન્સિંગ પ્રક્રિયાના કારણે થયેલા ગંભીર ડિહાઇડ્રેશનથી ટીના સોધીનું મોત થયું હતું.
કોર્ટના દસ્તાવેજો મુજબ, તપાસ દરમિયાન ઇમેલ, ટેક્સ્ટ મેસેજ અને વિડિયો મળ્યા હતા, જેમાં કાર્યક્રમની વિગતો, આહાર સંબંધિત સૂચનાઓ અને પદાર્થો કેવી રીતે આપવામાં આવ્યા તેની માહિતી સામેલ હતી.
પોલીસે એક સ્વતંત્ર તબીબની સલાહ પણ લીધી હતી. તેમના મત મુજબ, સેમ્યુઅલ લીની કામગીરી સ્વીકાર્ય તબીબી સુરક્ષા અને ક્લિનિકલ ધોરણોથી ગંભીર અને અયોગ્ય રીતે વિપરીત હતી.
બોર્ડ-પ્રમાણિત મનોચિકિત્સક સેમ્યુઅલ લીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને જ્યુરી ટ્રાયલની માંગ કરી છે. પ્રોસિક્યુટરોએ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને તબીબી સેવા આપતા રોકવાની માંગ કરી હતી, જેને પગલે માયામી-ડેડના ન્યાયાધીશે કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને કોઈપણ પ્રકારની તબીબી, માનસિક અથવા મનોચિકિત્સા સેવા ન આપવા આદેશ આપ્યો છે.
રેકોર્ડ મુજબ, ટીના સોધીના મોત બાદ ટેક્સાસ મેડિકલ બોર્ડે જાહેર હિતને જોખમ હોવાનું જણાવી સેમ્યુઅલ લીનું મેડિકલ લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કર્યું હતું. જ્યારે ફ્લોરિડામાં તેમનું મેડિકલ લાઇસન્સ હાલ સમાપ્ત અને બાકી સ્થિતિમાં નોંધાયેલું છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login