ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ(ફાઈલ ફોટો) / IANS/Premnath Pandey
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે (સોમવારથી) સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડના સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
સત્તાવાર નિવેદન અનુસાર, 13થી 17 જુલાઈ દરમિયાન યોજાનારો આ પ્રવાસ સમગ્ર યુરોપ સાથે ભારતની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પને દર્શાવે છે. આ મુલાકાત દરમિયાન વેપાર, રોકાણ, ટેક્નોલોજી, નવીનતા અને ટકાઉ વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાત દરમિયાન એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ક્લીન એનર્જી અને ટકાઉ વિકાસ, ડિજિટલ તથા નવી ટેક્નોલોજી, રત્ન અને આભૂષણ ઉદ્યોગ તેમજ ખાદ્ય અને ઉપભોક્તા ઉદ્યોગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે.
પીયૂષ ગોયલનો આ પ્રવાસ યુરોપિયન યુનિયન સાથે ભારતના સતત મજબૂત બની રહેલા સંબંધો તેમજ મહત્ત્વાકાંક્ષી, સંતુલિત અને બંને પક્ષ માટે લાભદાયી વેપાર કરારને આગળ વધારવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કરાર મજબૂત સપ્લાય ચેઇન, ટકાઉ વિકાસ અને નિયમો આધારિત વૈશ્વિક વેપાર વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવામાં મદદરૂપ બનશે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આ પ્રવાસથી યુરોપ સાથે ભારતના સંબંધોને નવી ગતિ મળશે. વેપાર અને રોકાણને પ્રોત્સાહન મળશે, નવી ટેક્નોલોજી, ક્લીન એનર્જી, નવીનતા અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત બનશે. ઉપરાંત, ઉદ્યોગો અને ઇનોવેશન ઇકોસિસ્ટમ વચ્ચે ભાગીદારી વધશે અને નવીનતા, ઉત્પાદન તથા ટકાઉ વિકાસ માટે વિશ્વસનીય વૈશ્વિક ભાગીદાર તરીકે ભારતની ઓળખ વધુ મજબૂત બનશે.
સ્પેનમાં પીયૂષ ગોયલ સ્પેન સરકારના પ્રથમ ઉપપ્રધાન અને અર્થતંત્ર, વેપાર તથા ઉદ્યોગ મંત્રી કાર્લોસ કુએર્પો કાબાલેરો, ઉદ્યોગ અને પર્યટન મંત્રી જોર્ડી હેરેઉ બોહેર તેમજ વિદેશ બાબતો, યુરોપિયન યુનિયન અને સહયોગ મંત્રી જોઝે મેન્યુઅલ અલ્બારેઝ બુએનો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
તે ઉપરાંત, તેઓ ભારતમાં રોકાણની તકો રજૂ કરવા અને બિઝનેસ-ટુ-બિઝનેસ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અગ્રણી સ્પેનિશ કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનો સાથે ભારત-સ્પેન બિઝનેસ રાઉન્ડટેબલની અધ્યક્ષતા કરશે. ગોયલ સ્પેન ચેમ્બર ઑફ કોમર્સ, સીઈઓઈ (CEOE) અને આઈસીઈએક્સ સ્પેન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સાથે યોજાનારી બિઝનેસ રાઉન્ડટેબલમાં પણ ભાગ લેશે.
બેલ્જિયમમાં પીયૂષ ગોયલ એન્ટવર્પ બંદર અને એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરની મુલાકાત લેશે. તેઓ થેલ્સ ગ્રુપના એલેન ક્વેવેરિન અને સિલોક્સ ગ્રુપના જીન-ક્રિસ્ટોફ બોગાર્ટ સાથે સીઈઓ સ્તરની બેઠક પણ યોજશે.
બ્રસેલ્સમાં ગોયલ ત્રીજી ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC)ની મંત્રીસ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. ભારત-યુરોપિયન યુનિયન ટીટીસી વેપાર, વિશ્વસનીય ટેક્નોલોજી અને આર્થિક સુરક્ષા ક્ષેત્રે સહયોગ માટેનું સૌથી મહત્વપૂર્ણ સંસ્થાગત મંચ છે.
ફિનલેન્ડમાં પીયૂષ ગોયલ ફિનલેન્ડના આર્થિક બાબતોના મંત્રી ડૉ. સાકારી પુઇસ્ટો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે તેમજ ફિનિશ કંપનીઓ સાથે ભારત-ફિનલેન્ડ બિઝનેસ રાઉન્ડટેબલમાં પણ ભાગ લેશે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login