મેયર ઝોહરાન મામદાનીએ જણાવ્યું હતું કે શહેરની માલિકીની કરિયાણાની દુકાનો ઓછી કિંમતે આવશ્યક ખાદ્ય ચીજો ઓફર કરશે. / X/@NYCMayor
ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ શહેરના પાંચેય બોરોમાં શહેર માલિકીની પાંચ કરિયાણાની દુકાનો શરૂ કરવાની યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ જરૂરી કરિયાણાની ચીજવસ્તુઓ પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેથી શહેરના રહેવાસીઓ માટે ખાદ્યપદાર્થોનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે.
મેયર કાર્યાલયના જણાવ્યા મુજબ, આ ડિસ્કાઉન્ટ રોજિંદા ઉપયોગની "કોર બાસ્કેટ" તરીકે ઓળખાતી આવશ્યક ચીજવસ્તુઓ પર લાગુ પડશે. તેમાં ઇંડા, દૂધ, ચિકન, તાજા ફળ-શાકભાજી, માંસ, સમુદ્રી ખાદ્યપદાર્થો તેમજ પેન્ટ્રીમાં રાખવામાં આવતી અન્ય લગભગ 20 પ્રકારની જરૂરી ચીજવસ્તુઓ, ડેરી ઉત્પાદનો અને રેફ્રિજરેટેડ વસ્તુઓનો સમાવેશ થશે.
એક્સ પર આ યોજનાની જાહેરાત કરતાં મમદાનીએ લખ્યું કે, "વિશ્વના સૌથી સમૃદ્ધ દેશમાં આવેલા સૌથી સમૃદ્ધ શહેરમાં કોઈપણ વ્યક્તિએ પોતાને કે પોતાના પરિવારને ખવડાવવા માટે જરૂરી ખોરાક કેવી રીતે ખરીદશે તેની ચિંતા ન કરવી જોઈએ."
સિટી હોલના જણાવ્યા મુજબ, આ ડિસ્કાઉન્ટના કારણે ન્યૂયોર્કના રહેવાસીઓને દર મહિને સરેરાશ 90 ડોલરની અને વર્ષ દરમિયાન અંદાજે 1,000 ડોલરની બચત થઈ શકે છે. આ લાભ દરેક રહેવાસીને તેમની આવકની પરવા કર્યા વિના મળશે. શહેરનું કહેવું છે કે ખાનગી સુપરમાર્કેટમાં જોવા મળતા દર અઠવાડિયે ભાવમાં થતા ફેરફારોની જગ્યાએ અહીં સ્થિર કિંમતો જાળવવામાં આવશે.
આર્થિક ન્યાય માટેના ડેપ્યુટી મેયર જ્યુલી સુએ જણાવ્યું કે, "અમે એવી કરિયાણાની દુકાનોનું મોડેલ તૈયાર કરી રહ્યા છીએ જેનું મુખ્ય લક્ષ્ય સસ્તા ભાવે ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવાનું છે. આ યોજના હેઠળ જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ પર 30 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને અહીં કામ કરતા લોકોને ગુણવત્તાયુક્ત રોજગાર પણ મળશે."
શહેરે આ મ્યુનિસિપલ કરિયાણાની દુકાનોના સંચાલન માટે ઓપરેટરો પાસેથી દરખાસ્તો મંગાવી છે. મેયર કાર્યાલયના જણાવ્યા અનુસાર, પ્રથમ દુકાન 2027ના અંત સુધીમાં બ્રોન્ક્સમાં શરૂ થવાની અપેક્ષા છે, ત્યારબાદ બીજી દુકાન ઈસ્ટ હાર્લેમમાં ખુલશે. બ્રુકલિન, ક્વીન્સ અને સ્ટેટન આઇલેન્ડમાં દુકાનોના સ્થળો હજુ નક્કી કરવામાં આવ્યા નથી. તમામ પાંચ દુકાનો 2029 સુધીમાં કાર્યરત થઈ જાય તેવી યોજના છે.
આ પહેલને ટેકો આપવા માટે ન્યૂયોર્ક સિટીએ દુકાનોના નિર્માણ અને તૈયારીઓ માટે 70 મિલિયન ડોલરની મૂડી ફાળવી છે. ન્યૂયોર્ક સિટી ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના કાર્યકારી પ્રમુખ જીની પાકે જણાવ્યું કે, શહેર સમગ્ર મ્યુનિસિપલ કરિયાણા નેટવર્ક માટે એક સમાન જાહેર બ્રાન્ડ પણ વિકસાવશે.
આ યોજના મમદાનીના ચૂંટણી દરમિયાન કરાયેલા મહત્વપૂર્ણ વચનોમાંની એક છે. તેમણે દરેક બોરોમાં એક શહેર માલિકીની કરિયાણાની દુકાન શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવાના તેમના વ્યાપક એજન્ડાનો ભાગ છે.
યોજનાના સમર્થકોનું માનવું છે કે જાહેર સહાયથી ચાલતી કરિયાણાની દુકાનો ઓછી સેવા મળતા વિસ્તારોમાં સસ્તો અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે તેમજ વધતી કરિયાણાની કિંમતોનો બોજ પણ ઘટાડશે. શહેરનું કહેવું છે કે આ દુકાનો હાલની ફૂડ એક્સેસ યોજનાઓને પૂરક બનશે અને જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ માટે સ્થિર કિંમતો ઉપલબ્ધ કરાવશે.
બીજી તરફ, કરિયાણા ઉદ્યોગના કેટલાક પ્રતિનિધિઓ અને નીતિ વિશ્લેષકોએ આ યોજનાની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે સરકાર સમર્થિત દુકાનો બજારમાં સ્પર્ધાનું સંતુલન બગાડી શકે છે અને પહેલેથી જ ઓછા નફા પર કામ કરતી સ્વતંત્ર કરિયાણાની દુકાનો પર વધારાનો દબાણ ઊભો કરી શકે છે. શહેરે હજુ સુધી ઓપરેટરોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે અને આ દુકાનોને હાલની રિટેલ ફૂડ વ્યવસ્થા સાથે કેવી રીતે જોડવામાં આવશે તેની વિગત જાહેર કરી નથી.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login