ફિલ્મમાં પ્રભુ શ્રીરામની ભૂમિકામાં રણબીર કપૂર. / IANS
રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણ: પાર્ટ 1નું બહુપ્રતિક્ષિત સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 30 જુલાઈ, 2026ની વહેલી સવારે ફિલ્મનું ટ્રેલર હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ એમ પાંચ ભારતીય ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યું.
ટ્રેલરની શરૂઆત યશ દ્વારા નિભાવવામાં આવેલા રાવણના પાત્રથી થાય છે, જેમાં તે લંકાના રાજા તરીકે સિંહાસન સંભાળતો જોવા મળે છે. ત્યારબાદ ટ્રેલર અયોધ્યામાં ભગવાન રામના જીવનથી શરૂ કરીને રામાયણની કથા આગળ વધારે છે.
ભગવાન રામ દ્વારા કૈકેયીની માંગ સ્વીકારીને વનવાસ જવાનો પ્રસંગ, શૂર્પણખાનો પ્રસંગ અને ત્યારબાદ સીતા હરણ જેવી રામાયણની મહત્વપૂર્ણ ઘટનાઓ ટ્રેલરમાં દર્શાવવામાં આવી છે.
ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂર, માતા સીતાના પાત્રમાં સાઈ પલ્લવી, રાવણ તરીકે યશ અને ભગવાન લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે પોતાના પાત્રોને યોગ્ય ન્યાય આપતા જોવા મળે છે.
કૈકેયીના પાત્રમાં લારા દત્તા, શૂર્પણખાના પાત્રમાં રકુલ પ્રીત સિંહ અને રાજા દશરથના પાત્રમાં અરવિંદ ગોવિલ પણ પોતાની ભૂમિકામાં અસરકારક દેખાઈ રહ્યા છે.
પુરસ્કાર વિજેતા સ્ક્રીનરાઇટર શ્રીધર રાઘવન દ્વારા રૂપાંતરિત આ ફિલ્મમાં પૂર્વ અને પશ્ચિમના ફિલ્મી સહયોગનું અત્યાર સુધીનું સૌથી મોટું સંયોજન જોવા મળશે. ફિલ્મનું સંગીત ઓસ્કાર વિજેતા સંગીતકાર હાન્સ ઝિમર અને એ.આર. રહમાને તૈયાર કર્યું છે.
ફિલ્મ વિશે વાત કરતાં નિર્માતા અને ફિલ્મના ક્રિએટિવ આર્કિટેક્ટ નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, "રામાયણ માત્ર આપણું એક મહાન મહાકાવ્ય નથી, પરંતુ તે આપણા જીવનનો, આપણી ઉજવણીઓનો અને પેઢી દર પેઢી આગળ વધતા આપણા મૂલ્યોનો અભિન્ન ભાગ છે. દર વર્ષે દશેરા અને દિવાળી આપણને યાદ અપાવે છે કે પ્રકાશનો અંધકાર પર અને સત્યનો અસત્ય પર વિજયનો તેનો સંદેશ આજે પણ લાખો લોકોને માર્ગદર્શન આપે છે. હજારો વર્ષો પછી પણ રોજિંદા જીવનને પ્રભાવિત કરતી આવી વાર્તાઓ ખૂબ ઓછી છે. રામાયણ એવી જ એક અમર ગાથા છે."
તેમણે વધુમાં કહ્યું, "વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગમાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ મને હંમેશા લાગ્યું છે કે ભારતની શ્રેષ્ઠ વાર્તાઓને વિશ્વના સૌથી મોટા મંચ પર રજૂ થવી જોઈએ. આજે અમારી પાસે એવા કલાકારો, ટેક્નોલોજી, કારીગરી અને સામૂહિક દ્રષ્ટિ છે કે જેના દ્વારા આ મહાન સાંસ્કૃતિક વારસાને તેની પ્રામાણિકતા, ભવ્યતા અને શ્રેષ્ઠ સિનેમેટિક ગુણવત્તા સાથે વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડી શકાય."
તેમણે આગળ કહ્યું, "આ માત્ર એક ફિલ્મની શરૂઆત નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાની એક નવી યાત્રાની શરૂઆત છે. ભારતે આ કથાને હંમેશા જીવી છે અને હવે તેને વિશ્વ સાથે વહેંચવાનો અમને ગર્વ છે."
ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારીએ જણાવ્યું કે, "રામાયણ વિશ્વની મહાનતમ કથાઓમાંની એક છે. તેની મહાનતા માત્ર તેના વિશાળ ફલકમાં નથી, પરંતુ તેમાં રહેલા શાશ્વત મૂલ્યોમાં છે. એક ફિલ્મમેકર તરીકે મને તેને વૈશ્વિક બનાવવાની જવાબદારી ક્યારેય લાગી નથી, કારણ કે તે પહેલેથી જ વૈશ્વિક છે. મારી જવાબદારી માત્ર એટલી હતી કે તેને સંપૂર્ણ પ્રામાણિકતા, અસલિયત અને શ્રદ્ધા સાથે રજૂ કરું."
તેમણે વધુમાં કહ્યું, "લેખન, અભિનય, પ્રોડક્શન ડિઝાઇન, સંગીત, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને પડદા પર દેખાતી દરેક ફ્રેમ સહિત દરેક સર્જનાત્મક નિર્ણય એક જ વિચારથી લેવામાં આવ્યો છે કે આ મહાન વારસાને સંપૂર્ણ ગૌરવ અને સન્માન સાથે રજૂ કરવામાં આવે અને સાથે જ શ્રેષ્ઠ સિનેમેટિક કારીગરી પણ દર્શાવવામાં આવે."
તેમણે ઉમેર્યું, "વિશ્વના શ્રેષ્ઠ કલાકારો, ટેક્નિશિયનો અને વાર્તાકારો સાથે મળીને આ દ્રષ્ટિને સાકાર કરવાની તક મારા માટે જીવનનો સૌથી મોટો સન્માન છે. મારી આશા છે કે વિશ્વભરના દર્શકો રામાયણમાં માત્ર ભવ્યતા જ નહીં, પરંતુ તેની લાગણી, માનવતા અને હજારો વર્ષોથી જીવંત રહેલી તેની શાશ્વત ભાવનાનો પણ અનુભવ કરશે."
ઉલ્લેખનીય છે કે નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી અને નમિત મલ્હોત્રાની પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ તેમજ આઠ વખત એકેડેમી એવોર્ડ વિજેતા VFX સ્ટુડિયો DNEG દ્વારા, યશની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સના સહયોગથી નિર્મિત ફિલ્મ રામાયણ: પાર્ટ 1 દિવાળી 2026ના અવસરે વિશ્વભરમાં રિલીઝ થશે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login