ADVERTISEMENT

ADVERTISEMENT

ટેક્સાસમાં ભારતીય મૂળના મેડિકલ વિદ્યાર્થીના આત્મહત્યા કેસે કાનૂની કાર્યવાહી માટે માંગ ઉઠી

પરિવારનો આરોપ: શિસ્તભંગ પ્રક્રિયામાં યોગ્ય ન્યાય અને માનસિક આરોગ્ય સહાયનો અભાવ હતો.

 ટેક્સાસમાં મૃત્યુ પામેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થી વૈભવ દુગ્ગલ ટેક્સાસમાં મૃત્યુ પામેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થી વૈભવ દુગ્ગલ / YouTube/Vaibhav Duggal

ટેક્સાસની એક મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યા બાદ તેના પરિવારજનોએ તેની સામે ચલાવવામાં આવેલી શિસ્તભંગ (ડિસિપ્લિનરી) પ્રક્રિયાની કાનૂની સમીક્ષા કરવાની માંગ કરી છે. પરિવારનો આરોપ છે કે સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય ન્યાય (ડ્યુ પ્રોસેસ) અને માનસિક આરોગ્ય સંબંધિત જરૂરી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હતો.

24 વર્ષીય વૈભવ દુગ્ગલનું જુલાઈ 2025માં ટેક્સાસના એલ પાસોમાં આવેલી ટેક્સાસ ટેક યુનિવર્સિટી હેલ્થ સાયન્સિસ સેન્ટરમાં મેડિકલ અભ્યાસના ત્રીજા વર્ષ દરમિયાન આત્મહત્યાથી મૃત્યુ થયું હતું. તે સમયે તેઓ યુનિવર્સિટીમાં શૈક્ષણિક શિસ્તભંગ સંબંધિત કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા.

વૈભવના પરિવાર અને તેમના સમર્થકોએ શિસ્તભંગની સમગ્ર પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હતો અને તેમને યોગ્ય કાનૂની તથા વહીવટી ન્યાય મળ્યો નહોતો. સાથે જ, આવી કાર્યવાહીનો સામનો કરતા વિદ્યાર્થીઓ માટે પૂરતી માનસિક આરોગ્ય સહાય ઉપલબ્ધ હતી કે નહીં તે અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

પરિવારનું માનવું છે કે આ શિસ્તભંગની કાર્યવાહીથી વૈભવ પર ભારે માનસિક તણાવ સર્જાયો હતો અને તે તેમની આત્મહત્યાનું એક મહત્વપૂર્ણ કારણ બન્યો.

પરિવારે એક જનજાગૃતિ અભિયાન અંતર્ગત જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ પ્રયાસનો હેતુ જવાબદારી નક્કી કરાવવાનો, સ્વતંત્ર સમીક્ષા કરાવવાનો અને એવી સુધારાત્મક વ્યવસ્થા લાવવાનો છે કે જેથી ભવિષ્યમાં કોઈપણ વિદ્યાર્થીને પૂરતી સુરક્ષા અને સહાય વિના આવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે."

આ ઘટનાએ અમેરિકાની યુનિવર્સિટીઓમાં, ખાસ કરીને મેડિકલ જેવા ઉચ્ચ દબાણવાળા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં, શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી કેવી રીતે હાથ ધરવામાં આવે છે તે અંગે ચર્ચા શરૂ કરી છે.

વિવિધ એડવોકસી જૂથોએ નીતિગત સુધારાઓની માંગ કરી છે. તેમાં વિદ્યાર્થીઓને વધુ મજબૂત ડ્યુ પ્રોસેસ સુરક્ષા, માનસિક આઘાતને ધ્યાનમાં રાખીને શિસ્તભંગની પ્રક્રિયા (ટ્રોમા-ઇન્ફોર્મ્ડ સિસ્ટમ) અને વિદ્યાર્થીઓ માટે વિસ્તૃત માનસિક આરોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવાની માંગ સામેલ છે. તેમનું કહેવું છે કે યુનિવર્સિટીઓએ શિસ્તભંગની કાર્યવાહી દરમિયાન પારદર્શક પ્રક્રિયા અને પૂરતું માર્ગદર્શન તથા સહાય સુનિશ્ચિત કરવી જોઈએ.

ટેક્સાસ ટેક યુનિવર્સિટી હેલ્થ સાયન્સિસ સેન્ટરે અગાઉ જણાવ્યું હતું કે અમેરિકાના ફેડરલ ગોપનીયતા કાયદા હેઠળ તેઓ કોઈપણ વ્યક્તિગત વિદ્યાર્થીના કેસ અંગે ટિપ્પણી કરી શકતા નથી. વૈભવ દુગ્ગલના કેસ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં પણ યુનિવર્સિટીએ આ જ ગોપનીયતા નિયમોનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઘટનાએ વિદ્યાર્થી કલ્યાણ, શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી અને ખાસ કરીને પડકારજનક વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં શિસ્તભંગની પ્રક્રિયા દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વ્યાપક ચર્ચા જગાવી છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?