સેક્રામેન્ટો મ્યુનિસિપલ યુટિલિટી ડિસ્ટ્રિક્ટ દ્વારા તેના શાઇન એવોર્ડ દ્વારા સમર્થિત આ કાર્યક્રમ એપ્રિલથી જુલાઈ 2026 સુધી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ચાલ્યો હતો, જેમાં AI અથવા કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં અગાઉનો અનુભવ ઓછો અથવા બિલકુલ ન હોય તેવા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. / Handout
કેલિફોર્નિયા સ્થિત બિનલાભકારી સંસ્થા સુવિધા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશને 12 અઠવાડિયાનો આફ્ટર-સ્કૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેવલપમેન્ટ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ કાર્યક્રમ દ્વારા કોર્ડોવા હાઈ સ્કૂલના 25 હાઈસ્કૂલ વિદ્યાર્થીઓને AIના મૂળભૂત સિદ્ધાંતો અને એપ્લિકેશન ડેવલપમેન્ટની તાલીમ આપવામાં આવી.
સેક્રામેન્ટો મ્યુનિસિપલ યુટિલિટી ડિસ્ટ્રિક્ટ (SMUD)ના શાઇન એવોર્ડના સહયોગથી એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં એવા વિદ્યાર્થીઓ પણ સામેલ હતા જેમને AI અથવા કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો અગાઉ કોઈ ખાસ અનુભવ નહોતો. કોર્ડોવા હાઈ સ્કૂલ તેમજ સ્થાનિક ટેક્નોલોજી કંપનીઓ ટેક યંત્રા, ERTech Pros અને WATIએ પણ કાર્યક્રમને સહયોગ આપ્યો.
કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓને AIના મૂળભૂત સિદ્ધાંતો, પાયથોન પ્રોગ્રામિંગ, જવાબદાર AIનો ઉપયોગ, સમસ્યા ઉકેલવાની પદ્ધતિઓ અને એપ્લિકેશન ડિઝાઇન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ટીમ બનાવી ઊર્જા કાર્યક્ષમતા, ટકાઉ વિકાસ અને સામાજિક સેવાઓને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સ્તરની AI એપ્લિકેશનો વિકસાવી.
અંતિમ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં વિદ્યાર્થીઓએ એક સરળ ઈ-કોમર્સ એપ્લિકેશન બનાવી, જેના માધ્યમથી એપ્લિકેશનનું આયોજન, વિકાસ, પરીક્ષણ અને સુધારાની પ્રક્રિયા સમજાવવામાં આવી. આ અભ્યાસ દ્વારા તેમણે વપરાશકર્તાની જરૂરિયાતો ઓળખવી, માહિતીનું આયોજન કરવું, AI સુવિધાઓ ઉમેરવી અને ટેક્નિકલ સમસ્યાઓનું નિરાકરણ લાવવું જેવી બાબતો શીખી.
વિદ્યાર્થીઓને ત્રણ ટીમમાં વહેંચવામાં આવ્યા હતા અને દરેક ટીમે SMUD સંબંધિત સેવાઓ પર આધારિત અલગ AI મોડ્યુલ તૈયાર કર્યું. તેમાં વીજળીના વપરાશ અને ખર્ચની સરખામણી કરવામાં મદદરૂપ બનતું Bill Comparison મોડ્યુલ, યુટિલિટી સંબંધિત સમસ્યાઓની જાણ કરવા માટેનું Issue Reporting મોડ્યુલ તેમજ ઊર્જા કાર્યક્ષમતા કાર્યક્રમો, રિબેટ અને પ્રોત્સાહન યોજનાઓ શોધવામાં મદદરૂપ બનતું Incentive Finder મોડ્યુલ સામેલ હતું.
આયોજકોના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી એપ્લિકેશનો હાલમાં પ્રાથમિક તબક્કામાં છે. જાહેર ઉપયોગ માટે તે પહેલાં વધુ પરીક્ષણ, માહિતીનું અપડેશન, નિષ્ણાતોની સમીક્ષા અને વધુ સુધારાની જરૂર રહેશે. ટેક્નિકલ જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓએ ટીમવર્ક, સંચાર કૌશલ્ય, નેતૃત્વ, સમયનું આયોજન, પ્રેઝન્ટેશન અને સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર વિકાસ કર્યો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અભ્યાસ, રમતગમત અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ વચ્ચે સમયનું સંતુલન જાળવવાનો પડકાર પણ સ્વીકાર્યો. ઉનાળાની રજાઓને કારણે શાળા બંધ થતાં બાકીના સત્રો અન્ય સ્થળે યોજવામાં આવ્યા હતા. છતાં તમામ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કર્યો અને પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા.
કાર્યક્રમનો સમાપન સમારોહ 21 જુલાઈએ રેન્ચો કોર્ડોવા સિટી હોલમાં યોજાયેલા AI શોકેસ સાથે થયો, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાની AI એપ્લિકેશનોનું પ્રદર્શન કર્યું અને ઉપસ્થિતોના પ્રશ્નોના જવાબ આપ્યા.
આ કાર્યક્રમમાં SMUD, ફોલ્સમ કોર્ડોવા યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ, કોર્ડોવા રિક્રિએશન એન્ડ પાર્ક ડિસ્ટ્રિક્ટ, સુવિધા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, Citizen.AI, સ્થાનિક ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો, વાલીઓ અને સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંકલન સુવિધા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સ્થાપક અને પ્રમુખ ભાસ્કર વેમ્પાતીએ કર્યું હતું, જ્યારે Citizen.AIના મનોજ યક્કલીએ વિદ્યાર્થીઓને ટેક્નિકલ તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું.
ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, વાલીઓએ જણાવ્યું કે આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો, સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા મજબૂત બની અને AI, STEM શિક્ષણ તથા ટેક્નોલોજી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો રસ પણ વધ્યો.
સુવિધા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશને જણાવ્યું છે કે પાયલોટ પહેલની સફળતા બાદ હવે વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શકો, ઉદ્યોગ નિષ્ણાતો અને સમુદાયના ભાગીદારોના સહયોગથી પ્રાયોગિક AI શિક્ષણની તક ઉપલબ્ધ કરાવવા માટે આ પહેલને વધુ વિસ્તૃત કરવામાં આવશે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login