ADVERTISEMENT

ADVERTISEMENT

થાનેદારે ICE કેન્દ્રોમાં ભાવ વધારા પર અંકુશ માટે બિલ રજૂ કર્યું

ખાનગી ડિટેન્શન કંપનીઓ કોફી, ટેમ્પોન, નાસ્તા અને બેટરી જેવી મૂળભૂત વસ્તુઓના ભાવમાં 50%થી 110% સુધીનો વધારો કરતી હોવાના અહેવાલો બાદ આ બિલ રજૂ કરાયું છે.

 કોંગ્રેસમેન શ્રી થાનેદાર કોંગ્રેસમેન શ્રી થાનેદાર / X

કોંગ્રેસમેન શ્રી થાનેદારે "સ્ટોપ ICE પ્રાઇસ ગૌજિંગ એક્ટ" નામનું બિલ રજૂ કર્યું છે. આ બિલનો હેતુ અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના ડિટેન્શન સેન્ટરોમાં અટકાયતમાં રાખવામાં આવેલા લોકો માટે જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં કરવામાં આવતા અતિશય વધારાને રોકવાનો છે.

થાનેદારે 19 ઓગસ્ટે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ખાનગી ડિટેન્શન કંપનીઓ કોફી, ટેમ્પોન, નાસ્તો અને બેટરી જેવી મૂળભૂત વસ્તુઓના ભાવમાં 50%થી 110% સુધીનો વધારો કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ICEના ધોરણો હેઠળ મૂળભૂત સ્વચ્છતા સંબંધિત વસ્તુઓ મફતમાં ઉપલબ્ધ કરાવવાની હોય છે. જોકે, મર્યાદિત પુરવઠાને કારણે ઘણા અટકાયતમાં રહેલા લોકોને વધારાની વસ્તુઓ ખરીદવાની ફરજ પડે છે અને તેના માટે તેમણે વધેલા ભાવ ચૂકવવા પડે છે.

થાનેદારે કહ્યું, "ખાનગી ડિટેન્શન કંપનીઓએ અટકાયતમાં રહેલા લોકો પાસેથી સાબુ, ટૂથપેસ્ટ કે નાસ્તા જેવી મૂળભૂત જરૂરિયાતોની વસ્તુઓ માટે અતિશય ભાવ વસૂલવા ન જોઈએ. દરેક વ્યક્તિ સાથે યોગ્ય અને સન્માનજનક વ્યવહાર થવો જોઈએ."

આ પ્રકારની પ્રથાઓ પર અંકુશ લાવવા માટે પ્રસ્તાવિત કાયદામાં કમિશનરીમાં વેચાતી વસ્તુઓના ભાવ પર કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

"સ્ટોપ ICE પ્રાઇસ ગૌજિંગ એક્ટ" હેઠળ સાબુ, ટૂથપેસ્ટ અને માસિક ધર્મ સંબંધિત ઉત્પાદનો જેવી જરૂરી વ્યક્તિગત સંભાળની વસ્તુઓ પર મહત્તમ 5% માર્કઅપની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જ્યારે બિનજરૂરી વસ્તુઓ પર માર્કઅપ મહત્તમ 35% સુધી રાખવામાં આવશે.

આ ઉપરાંત, ખાનગી ડિટેન્શન સેન્ટરના સંચાલકો અને વેન્ડર્સ વચ્ચે વધારાની વહીવટી ફી, કિકબેક અને આવક વહેંચણીની વ્યવસ્થાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ પણ બિલમાં કરવામાં આવી છે.

મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા થાનેદારે જણાવ્યું હતું કે, ખાનગી ડિટેન્શન કંપનીઓએ લોકોની મૂળભૂત માનવીય જરૂરિયાતોમાંથી અન્યાયી નફો મેળવવો જોઈએ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કસ્ટડીમાં રહેલી દરેક વ્યક્તિ સાથે યોગ્ય વ્યવહાર થવો જોઈએ અને તેમની ગરિમાનું સન્માન થવું જોઈએ.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?