અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઈલ ફોટો) / Xinhua via IANS
અમેરિકાની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા અમેરિકન નાગરિકોની ખાનગી માહિતી ધરાવતા ડેટાબેઝને ગેરકાયદેસર જાહેર કરીને તેને રદ કર્યો છે. આ ડેટાબેઝના આધારે કેટલાક રાજ્યો દ્વારા ભૂલથી પાત્ર અમેરિકન નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાનું કોર્ટમાં સામે આવ્યું હતું.
વોશિંગ્ટન ડી.સી. સ્થિત યુ.એસ. ડિસ્ટ્રિક્ટ કોર્ટની જજ સ્પાર્કલ સૂકનાનને પોતાના ચુકાદામાં જણાવ્યું કે, "ફેડરલ સરકારે જાણતા હોવા છતાં અમેરિકન નાગરિકોના ગોપનીયતા અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે મતાધિકાર જેવા પવિત્ર અધિકારને જોખમ ઊભું થયું છે. કોર્ટ આ બાબતને અવગણી શકતી નથી."
જજે જણાવ્યું કે ફેડરલ એજન્સીઓ ચૂંટણી વ્યવસ્થામાં ફેરફાર લાવવા માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડરનું પાલન કરવા ઉતાવળમાં હતી, જેના કારણે લાખો અમેરિકનોની ખાનગી માહિતી અને નાગરિકત્વ સંબંધિત ડેટાને બેદરકારીપૂર્વક એકત્રિત કરીને ઉપયોગમાં લેવામાં આવ્યો. આ માહિતી વિશ્વસનીય ન હોવાની જાણ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ચુકાદા અનુસાર, કેટલાક રાજ્યો આ ડેટાબેઝનો ઉપયોગ કરીને મતદાર યાદીઓ ચકાસી રહ્યા હતા અને ખોટી માહિતીના આધારે અમેરિકન નાગરિકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરી રહ્યા હતા.
જજે ભારપૂર્વક જણાવ્યું કે આ કેસ અમેરિકનોના બે મૂળભૂત અધિકારો ગોપનીયતાનો અધિકાર અને મતદાનનો અધિકાર સાથે સીધો સંબંધ ધરાવે છે.
આ ચુકાદો સપ્ટેમ્બર 2025માં દાખલ કરાયેલા એક કેસના જવાબમાં આવ્યો હતો. આ કેસ 'લીગ ઓફ વુમન વોટર્સ'ના નેતૃત્વ હેઠળ મતાધિકાર અને ગોપનીયતા માટે કાર્યરત સંગઠનોના ગઠબંધને દાખલ કર્યો હતો.
વિવાદનું કેન્દ્ર 'સિસ્ટેમેટિક એલિયન વેરિફિકેશન ફોર એન્ટાઇટલમેન્ટ્સ (SAVE)' સિસ્ટમ હતી, જેનો ઉપયોગ અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) નાગરિકત્વ અને ઇમિગ્રેશન સ્થિતિની ચકાસણી માટે કરે છે.
માર્ચ 2025માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી પ્રણાલીમાં મોટા ફેરફારો માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં ફેડરલ ચૂંટણીમાં મતદાર તરીકે નોંધણી માટે નાગરિકત્વનો દસ્તાવેજી પુરાવો ફરજિયાત બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી.
એક્ઝિક્યુટિવ ઓર્ડર 14248 હેઠળ DHS અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન સહિતની ફેડરલ એજન્સીઓને રાજ્ય અને સ્થાનિક સત્તાધીશોને મતદારોના નાગરિકત્વ અથવા ઇમિગ્રેશન સ્ટેટસની ચકાસણી માટે સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
23 જૂને 'લીગ ઓફ વુમન વોટર્સ'એ નિવેદન આપતાં જણાવ્યું કે ટ્રમ્પ-વેન્સ પ્રશાસન દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરકાયદેસર હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે સરકારને આ વિશાળ ડેટાબેઝ બંધ કરવા અને તેમાં રહેલી માહિતીનું વિભાજન કરવા આદેશ આપ્યો છે.
સંસ્થાએ વધુમાં જણાવ્યું કે આ ડેટાબેઝમાં લાખો અમેરિકનોની સંવેદનશીલ અને કાયદેસર રીતે સુરક્ષિત વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવી હતી, જેના કારણે તેઓ ખોટી તપાસ અને ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાંથી દૂર થવાના જોખમમાં મુકાયા હતા.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login