અરુણ મજમુદાર/ઈન્દ્રદીપ ઘોષ / LinkedIn
બે ભારતીય-અમેરિકન ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓને 2025–2026ના Asian American Engineer of the Year (AAEOY) એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવ્યા છે.
AAEOYની એક્ઝિક્યુટિવ કમિટીએ જાહેરાત કરી છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની Doerr School of Sustainabilityના ડીન અરુણ મજુમદારને Distinguished Leadership in Science and Technology Award આપવામાં આવશે. જ્યારે Fujitsu Research of Americaના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ઇન્દ્રદીપ ઘોષને Executive of the Year Award માટે પસંદ કરવામાં આવ્યા છે.
અરુણ મજુમદાર સ્ટેનફોર્ડની Doerr School of Sustainabilityના પ્રથમ ડીન છે. તેઓ Jay Precourt Professor તરીકે પણ કાર્યરત છે અને મિકેનિકલ એન્જિનિયરિંગ, એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તેમજ ફોટોન સાયન્સના પ્રોફેસર છે. ઉપરાંત તેઓ Precourt Institute for Energy અને Hoover Institutionમાં સિનિયર ફેલો તરીકે જોડાયેલા છે.
સ્ટેનફોર્ડમાં જોડાયા પહેલાં મજુમદારે અમેરિકાની Advanced Research Projects Agency-Energy (ARPA-E)ના સ્થાપક ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2009માં તેમની નિમણૂક કરી હતી અને અમેરિકી સેનેટે તેની મંજૂરી આપી હતી. 2009થી 2012 દરમિયાન તેમણે ARPA-Eને ઊર્જા ક્ષેત્રમાં ઉચ્ચ જોખમ ધરાવતા સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપતી અગ્રણી સરકારી એજન્સી તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમણે અમેરિકાના ઊર્જા વિભાગમાં કાર્યકારી અંડર સેક્રેટરી અને તત્કાલીન ઊર્જા સચિવ સ્ટીવન ચૂના સિનિયર સલાહકાર તરીકે પણ કામગીરી સંભાળી હતી. 2010માં મેક્સિકો ખાડીમાં થયેલા Deepwater Horizon તેલ રિસાવાની ઘટનાને કાબૂમાં લેવા માટે રચાયેલી વૈજ્ઞાનિક ટીમમાં પણ તેઓ સામેલ હતા.
સરકારી સેવા બાદ તેઓ Googleમાં એનર્જી માટેના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાયા હતા, જ્યાં તેમણે ડેટા, કમ્પ્યુટિંગ અને વીજળી ગ્રીડ સાથે જોડાયેલી અદ્યતન ટેક્નોલોજી પર કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ ફરીથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પરત ફર્યા.
મજુમદાર અમેરિકાની National Academy of Sciences, National Academy of Engineering અને American Academy of Arts and Sciencesના સભ્ય છે. હાલમાં તેમનું સંશોધન ટકાઉ ઊર્જા પ્રણાલીઓ, નાનોસ્કેલ ઇમેજિંગ અને ઊર્જા તથા હવામાન સંબંધિત ઉકેલો માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના ઉપયોગ પર કેન્દ્રિત છે. તેમણે IIT બોમ્બેથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક અને University of California, Berkeleyમાંથી ડોક્ટરેટ પૂર્ણ કરી છે.
ઇન્દ્રદીપ ઘોષને Fujitsu Research of Americaમાં તેમના નેતૃત્વ માટે Executive of the Year Award આપવામાં આવ્યો છે. તેઓ જાન્યુઆરી 2023થી કંપનીના CEO તરીકે કાર્યરત છે. કેલિફોર્નિયાના સનીવેલ સ્થિત કંપનીના અમેરિકન સંશોધન કેન્દ્રનું નેતૃત્વ કરવાની સાથે તેઓ ઉત્તર અમેરિકાના સંશોધન કાર્યને Fujitsuની વૈશ્વિક સંશોધન ટીમો સાથે સંકલિત કરે છે.
CEO બનતા પહેલાં ઘોષે Fujitsu Laboratories of Americaમાં બે દાયકાથી વધુ સમય સુધી વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. તેમણે રિસર્ચ સ્ટાફ સભ્ય, રિસર્ચ મેનેજર, ડિરેક્ટર ઓફ રિસર્ચ અને સિનિયર ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે સેવા આપી હતી. તેમનું કાર્ય મુખ્યત્વે સોફ્ટવેર વેલિડેશન, સોફ્ટવેર સુરક્ષા, વિશ્વસનીયતા અને ગોપનીયતા ક્ષેત્રે રહ્યું છે.
કોર્પોરેટ જવાબદારીઓ ઉપરાંત ઘોષ 2015થી Santa Clara Universityમાં એડજન્ક્ટ ફેકલ્ટી તરીકે સ્માર્ટ ગ્રીડ વિષય ભણાવે છે. તેમણે ક્લાઇમેટ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ YellowTinને રહેણાંક ઇમારતોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રોજેક્ટ્સ માટે સલાહકાર તરીકે પણ માર્ગદર્શન આપ્યું છે.
ઇન્દ્રદીપ ઘોષે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં સ્નાતક અને Princeton Universityમાંથી ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશન્સ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. પૂર્ણ કરી છે.
આ તમામ વિજેતાઓનું સન્માન 18 અને 19 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના સાન્ટા ક્લારા કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી 2025–2026 Asian American Engineer of the Year Award અને કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવશે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login