૨૦૨૬ દિવાળી ફોરેવર સ્ટેમ્પ / United States postal services
યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ (USPS)એ વર્ષ 2026 માટે નવી 'દિવાળી ફોરએવર સ્ટેમ્પ' જાહેર કરી છે. આ સ્ટેમ્પમાં ભારતીય મૂળની કલાકાર સંગીતા ભૂટાડા દ્વારા બનાવવામાં આવેલી આકર્ષક રંગોળી દર્શાવવામાં આવી છે. આ સ્ટેમ્પ દિવાળી પર્વ તેમજ અમેરિકામાં વધતા ભારતીય-અમેરિકન સમુદાયની ઓળખ અને યોગદાનને સન્માન આપે છે.
આ સ્ટેમ્પનું સત્તાવાર વિમોચન આ વર્ષની દિવાળી પહેલાં ઓક્ટોબર મહિનામાં કરવામાં આવશે. USPSએ આ સ્ટેમ્પની જાહેરાત અમેરિકાની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ, ઐતિહાસિક પ્રસંગો અને જનજાગૃતિ અભિયાનોને સમર્પિત નવી સ્મારક સ્ટેમ્પોની શ્રેણી સાથે કરી છે.
USPSએ જણાવ્યું કે, "દિવાળી હિંદુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંની એક છે, જે સારા પર ખરાબ પર વિજયનું પ્રતિક છે." તેમણે વધુમાં જણાવ્યું કે દિવાળી સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે અને વર્ષ 2026માં દિવાળીનો મુખ્ય દિવસ 8 નવેમ્બર રહેશે.
નવી ફોરએવર સ્ટેમ્પમાં પરંપરાગત રંગોળી દર્શાવવામાં આવી છે. રંગોળી રંગીન ચોખાના પાવડર, ચોક અને ફૂલની પાંખડીઓ જેવી સામગ્રીથી બનાવવામાં આવે છે અને તેને શુભતા તથા સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
આ રંગોળી ભારતીય મૂળની અને હ્યુસ્ટનમાં લાંબા સમયથી વસવાટ કરતી કલાકાર સંગીતા ભૂટાડા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેઓ છેલ્લા લગભગ 30 વર્ષથી આ પ્રાચીન લોકકલાનો અભ્યાસ અને પ્રયોગ કરી રહ્યા છે. સ્ટેમ્પ માટેનું ફોટોગ્રાફી બિજય દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેની ડિઝાઇન જેનિફર આર્નોલ્ડએ તૈયાર કરી છે અને વિલિયમ જે. ગિકર આર્ટ ડિરેક્ટર રહ્યા હતા.
USPSએ જણાવ્યું કે દિવાળી સ્ટેમ્પ ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવશે, જ્યારે તેના ફર્સ્ટ-ડે-ઓફ-ઇશ્યૂ સમારોહ અંગેની વિગતો બાદમાં જાહેર કરવામાં આવશે.
દિવાળી સ્ટેમ્પ ઉપરાંત USPSએ અમેરિકન કોસ્ટ ગાર્ડ એકેડેમીની 150મી વર્ષગાંઠ,ક્રિસમસ, હનુક્કાહ, ક્વાન્ઝા અને 'નો ધ ફેક્ટ્સ અબાઉટ ફેન્ટાનિલ' નામની વિશેષ સેમીપોસ્ટલ સ્ટેમ્પની પણ જાહેરાત કરી છે. ફેન્ટાનિલ સ્ટેમ્પના વેચાણમાંથી મળતી આવકનો ઉપયોગ સંશોધન અને જનજાગૃતિ માટે કરવામાં આવશે અને તેની નેટ આવક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑન ડ્રગ એબ્યુઝને આપવામાં આવશે.
USPSએ અન્ય સ્ટેમ્પોના વિમોચનની તારીખો પણ જાહેર કરી છે. યુએસ કોસ્ટ ગાર્ડ એકેડેમી સ્ટેમ્પ 12 સપ્ટેમ્બરે કનેક્ટિકટના ન્યૂ લંડનમાં, હનુક્કાહ સ્ટેમ્પ 29 સપ્ટેમ્બરે ન્યૂ ઓર્લિયન્સમાં, ક્રિસમસ: મેડોના એન્ડ ચાઇલ્ડ સ્ટેમ્પ 2 ઑક્ટોબરે વિલિયમ્સટાઉન, મેસેચ્યુસેટ્સમાં અને ફેન્ટાનિલ જાગૃતિ સ્ટેમ્પ 6 ઑક્ટોબરે બેથેસ્ડા, મેરીલેન્ડમાં રજૂ કરવામાં આવશે. જ્યારે દિવાળી સ્ટેમ્પના વિમોચનની તારીખ અને સમારોહ અંગેની વિગતો બાદમાં જાહેર થશે.
ઉલ્લેખનીય છે કે USPSએ પ્રથમ દિવાળી ફોરએવર સ્ટેમ્પ 5 ઑક્ટોબર, 2016ના રોજ બહાર પાડી હતી. આ માટે ન્યૂયોર્ક સ્થિત અગ્રણી ભારતીય-અમેરિકન સમુદાયના નેતા રંજુ બાત્રાના નેતૃત્વમાં વર્ષો સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અભિયાનને અમેરિકન પ્રશાસન અને કોંગ્રેસના બંને પક્ષોના સભ્યોનો પણ સમર્થન મળ્યું હતું.
ત્યારથી દિવાળી ફોરએવર સ્ટેમ્પ અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાયની વધતી ઓળખ અને પ્રભાવનું મહત્વપૂર્ણ પ્રતિક બની ગઈ છે અને USPSની સૌથી લોકપ્રિય સ્મારક સ્ટેમ્પોમાંની એક માનવામાં આવે છે.
દિવાળી વિશ્વભરના કરોડો હિંદુ, શીખ, જૈન અને કેટલાક બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવે છે. આજે અમેરિકામાં પણ વ્હાઇટ હાઉસ, યુએસ કોંગ્રેસ, વિવિધ રાજ્ય વિધાનસભાઓ અને શહેરોની સ્થાનિક સરકારોમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, જે ભારતીય મૂળના સમુદાયના વધતા સાંસ્કૃતિક અને રાજકીય પ્રભાવને દર્શાવે છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login