પ્રતીકાત્મક તસ્વીર / File Photo
અમેરિકા સરકાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિના ભાગરૂપે વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ વધુ વિસ્તૃત કરવાની તૈયારીમાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ પ્રક્રિયામાં વિદેશી પત્રકારો સહિત વધુ કેટેગરીના વિઝા અરજદારોનો સમાવેશ કરવામાં આવી શકે છે.
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે 6 ઓગસ્ટે X પર ડેઇલી સિગ્નલનો એક અહેવાલ શેર કર્યો હતો. અહેવાલ મુજબ, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે વધુ પ્રકારના વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા વેટિંગ (તપાસ) વધારવાની યોજના બનાવી છે.
ડેઇલી સિગ્નલના જણાવ્યા અનુસાર, તેને આ યોજના સંબંધિત એક આંતરિક મેમો મળ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ વિઝા અરજદારોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રાઇવસી સેટિંગ "પબ્લિક" અથવા "ઓપન" રાખવી પડશે, જેથી તેની તપાસ સરળતાથી થઈ શકે.
આ અહેવાલ અંગે AFP દ્વારા પૂછવામાં આવતા સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "વિઝા પ્રક્રિયા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીના ઉચ્ચતમ ધોરણોને અનુરૂપ રહે તે માટે વિભાગ સતત તેની સ્ક્રિનિંગ અને વેટિંગ પ્રક્રિયાની સમીક્ષા અને મૂલ્યાંકન કરતો રહે છે."
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, "ઓનલાઇન હાજરીની તપાસનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે અરજદાર અમેરિકાના કાયદા હેઠળ વિઝા મેળવવા માટે પાત્ર છે અને તે અમેરિકાની સુરક્ષા માટે કોઈ જોખમ ઉભું કરતો નથી."
હાલમાં પણ વિદ્યાર્થી વિઝા સહિત વિવિધ કેટેગરીના વિઝા અરજદારોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જાહેર રાખવાની આવશ્યકતા છે.
ડેઇલી સિગ્નલના અહેવાલ મુજબ, હવે આ નિયમ વિદેશી મીડિયા પ્રતિનિધિઓ તેમજ મેક્સિકો અને કેનેડાના કેટલાક નાગરિકો પર પણ લાગુ થઈ શકે છે.
ગયા વર્ષે સત્તા સંભાળ્યા બાદથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે લાખો ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી ઝડપી બનાવી છે અને કેટલાક દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પણ નિયંત્રણો કડક કર્યા છે.
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ અગાઉ કહ્યું હતું કે, "વિઝા કોઈ અધિકાર નથી, પરંતુ એક વિશેષ સુવિધા (Privilege) છે."
ટ્રમ્પ પ્રશાસને ગયા મહિને એવા નવા નિયમોને અંતિમ મંજૂરી આપી હતી, જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારો અમેરિકામાં કેટલો સમય રહી શકે તેના પર વધુ કડક મર્યાદાઓ લાગુ થશે.
નવી વ્યવસ્થા સપ્ટેમ્બરથી અમલમાં આવી શકે છે. તેના હેઠળ વિદ્યાર્થી વિઝા ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમની અવધિ સુધી, પરંતુ વધુમાં વધુ ચાર વર્ષ માટે અમેરિકામાં રહેવાની મંજૂરી મળશે.
જ્યારે વિદેશી પત્રકારોને માત્ર 240 દિવસ, એટલે કે અંદાજે આઠ મહિનાની અવધિ માટે રહેવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, તેઓ સમાન સમયગાળાના વિસ્તરણ માટે ફરી અરજી કરી શકશે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login